
ડિલિવરી પહેલાં નિયોનેટોલોજીસ્ટની હાજરી કેમ જરૂરી ?
આખા ભારતમાં દર વર્ષે મરી જતા પાંચ વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોમાં પ૦% કરતાં વધારે બાળકો તેમની જીંદગીના પહેલા મહિનામાં જ મરી જાય છે. એમાં પણ ૭૦% કરતાં વધારે બાળકો તો પહેલાં અઠવાડીયામાં જ મરી જાય છે. અને વળી એમાંય મોટા ભાગના તો શરૂઆતના બે દિવસમાં જ મરી જાય છે. એટલે કે બાળકના જન્મ પછીનો શરૂઆતનો સમય ખુબ જ કિંમતી હોય છે.
જન્મ પછી તરત જ (પહેલી જ મિનિટમાં) શ્વાસોચ્છવાસ યોગ્ય રીતે ચાલું ન થવાથી ગુંગળાઇને મરી જવું અથવા અધૂરા મહિને જન્મ થવો એ આના પ્રમુખ કારણો છે. નવજાત શિશુના જીવનની પ્રથમ મિનિટ એ તેના જીવનની ‘‘સુવર્ણ મિનિટ’’ પણ કહી શકાય. નવજાત શિશુમાં શ્વાસોચ્છવાસની ક્રિયા અને અન્ય બીજી શારીરિક ક્રિયાઓ જન્મ પછી તરત જ ચાલું થવી ખુબ જ જરૂરી છે. તાજા જન્મેલાં બાળકની આ સુવર્ણ ઘડીમાં જો બાળક ના રડે તો તેના શરીરના અમુલ્ય અંગોને ભરપાઇ ન થઇ શકે એવું નુકસાન પણ થઇ શકે છે.
આવા અતિ કિંમતી સમયમાં નિયોનેટોલોજીસ્ટ એટલે કે નવજાત શિશુઓની તકલીફો અથવા બિમારીઓ માટે ખાસ તાલીમ પામેલાં બાળકોના ડોકટરની હાજરી ખુબ જ અનિવાર્ય છે અને તે પણ બાળકનો જન્મ થાય એના પહેલાં. જેથી કરીને જન્મ બાદની પહેલી જ મિનિટનો સદુપયોગ થઇ શકે અને જરૂર જણાય તો તરત જ નવજાત શિશુ માટેના આઇ.સી.યુ.માં સઘન સારવાર માટે ખસેડી શકાય. આમ જન્મ સમયે નવજાત બાળકોના નિષ્ણાત ડોકટરની હાજરી અત્યંત જરૂરી છે. જેથી કરીને નવજાત બાળકોનું મૃત્યુ અથવા જીવલેણ બિમારીઓ અટકાવી શકાય છે.