
કેટલાંક બાળકોની નિયમીત રીતે રડવાની ટેવ પડી ગઈ હોય છે. મોટે ભાગે રોજ સાંજે કે રાત્રે ઘડિયાળમાં જોઈને ના રડતાં હોય એમ રડે !!!
સામાન્ય રીતે બીજા અઠવાડિયામાં આવું રડવાનું ચાલુ થાય. સાંજના ૬ થી ૧૦ દરમિયાન ચોક્કસ સમયે બાળક રડવાનું ચાલુ કરે છે. પેટમાં ચૂંક આવતી હોય એ રીતે હાથ પગ ખેંચીને જોર જોરથી રડે છે. થોડી વાર પછી શાંત થાય છે અને ફરીથી રડવાનું ચાલુ કરે છે.
મોટે ભાગે ર-૩ કલાક આવું ચાલ્યા જ કરે છે. ત્યાર પછી બાળક શાંતિથી આખી રાત સૂઈ જાય છે. આને એક પ્રકારની રડવાની ટેવ કહી શકાય.
બાળકને ઘોડિયામાં હલાવવું કે તેડીને ફરવું અથવા ઊંધું સુવડાવીને થાબડવું અને ડોકટરની સલાહ હોય તો ચૂંકના ટીપાં આપવા. આ કોઈ ગંભીર પરિસ્થિતી નથી પરંતુ બાળક જોર જોરથી રડતું હોય એટલે માતપિતાને સામાન્ય રીતે ચિંતા થતી હોય છે.
બાળક લગભગ ૩-૪ મહિનાનું થાય ત્યાં સુધીમાં મોટે ભાગે આવી રીતે રડવાનું બંધ થઈ જતું હોય છે.