
ઇનફોર્મેશન અને ટેકનોલોજીના જમાનામાં બાળકો ખૂબ જ ઝડપથી નાની ઉંમરે આધુનિક ઇલેકટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરતા શીખી જાય છે. આ ઉપકરણો રોજિંદી જિંદગીમાં અને અભ્યાસમાં ખૂબ ઉપયોગી છે, તે નિર્વિવાદ હકીકત છે, પણ બાળકો તેનો દુરુપયોગ પણ ઝડપથી શીખી જાય છે, તે ધ્યાનમાં રાખવા જેવું છે. મા-બાપ પણ બાળકની હઠ અને દેખાદેખીને પરિણામે નાના બાળકોને પણ સ્માર્ટ મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર જરૂર ન હોય તો પણ લાવી આપે છે. આ ઉપકરણોનો દેખરેખ હેઠળ મર્યાદિત ઉપયોગ ફાયદાકારક છે. પણ તેનો અતિરેક ઘણા જોખમી પરિણામોને નોતરે છે.
આ ઉપકરણોના બિનજરૂરી ઉપયોગથી બાળકોના અભ્યાસનો સમય વેડફાય છે. મેદાનમાં શારીરિક શ્રમવાળી રમતો રમવાને બદલે બાળક રૂમમાં બેસીને ફોન અને કોમ્પ્યુટર પર ગેમ રમ્યા કરે કે ચેટિંગ કર્યા કરે તો તે સ્થૂળ બને છે. બીજી ઘણી શારીરિક તકલીફો (આંખો, સ્નાયુઓ અને હાડકા) પણ થઈ શકે છે. ખાસ કરીને છેલ્લા પાંચ-છ વર્ષથી બાળકોમાં આવા ઉપકરણો જોવાનું પ્રમાણ બહુ જ વધી ગયું છે. બાળક ખોટું બોલતા અને ચોરી કરતાં પણ શીખી શકે છે. ટીનેજર્સ અશ્લીલ MMS, વિડિયો કે વેબસાઈટના રવાડે ચડી ચારિત્ર્યની તકલીફો નોતરે છે કે ગેરકાનૂની પ્રવૃત્તિ (સાયબર ક્રાઇમ) પણ શીખે છે. બાળકને ઘરની બહાર કે સ્કૂલમાં આ ઉપકરણો લઈ જવાની છૂટ ન હોવી જોઈએ. ઘરમાં પણ માબાપે સાથે રહીને તેમનો જરૂરી યોગ્ય ઉપયોગ પોતાની વિવેકબુદ્ધિથી શીખવાડવો જોઈએ.
બાળક એ નાનો અને કુમળો છોડ છે, તમે જેવું ખાતર અને પાણી આપશો એવો એ થશે.