
અધૂરા મહિને જન્મેલાં બાળકો, ઓછા વજનવાળા બાળકો, જન્મજાત ખોડખાંપણ વાળા બાળકો, શ્વાસની તકલીફવાળા બાળકો, જન્મ સમયે ન રડેલા બાળકો, હૃદયની તકલીફ વાળા બાળકો અને એના સિવાય કેટલીયે એવી તકલીફો નવજાત બાળકોને થતી હોય છે જેમાં કોમળ ફૂલ જેવા આ બાળકોને આઈ.સી.યુ. માં સઘન સારવાર આપવી પડે છે. આવી સઘન સારવાર માટેનું આઈ.સી.યુ. એટલે NICU (Newborn ICU). ગુજરાતી તળપદી ભાષામાં એને “કાચની પેટી” પણ કહે છે.
આ સારવાર દરમિયાન કેટલાય બાળકોને શારીરિક અપરિપક્વતાના લીધે કેટલીયે વાર ગંભીર અને જીવલેણ ચેપ એટલે કે ઇન્ફેક્શનનો સામનો કરવો પડે છે. નવજાત બાળકોના આવા આઈ.સી.યું.માં સંપૂર્ણ રીતે ટ્રેનિંગ લીધેલા નર્સિંગ સ્ટાફનું પણ એટલુ જ મહત્વ છે.
ગર્ભમાં પૂરતો વિકાસ ના પામેલા અને અધૂરા મહીને જન્મતાં બાળકોને દૂધ પચવામાં પણ તકલીફ થતી હોય છે. તજજ્ઞ નર્સિંગ સ્ટાફ દ્વારા યોગ્ય પદ્ધતિથી અપાતું દૂધ બાળકને પચવામાં સરળ રહે છે અને બાળકના શારીરિક વિકાસમાં જલ્દી કામ આવે છે…
એટલે જ ફક્ત આઈ.સી.યું. નહિ, પણ નવજાત બાળકોની સારવાર અથવા દેખરેખ કેવી રીતે કરવી એની ટ્રેનિંગ લીધેલા યોગ્ય નર્સિંગ સ્ટાફ અને ઉચ્ચ કક્ષાની સાધન સામગ્રીવાળા આઈ.સી.યું.માં જ નવજાત બાળકોની સારવાર થવી જોઈએ… અને તો જ આવા 600-700-800 ગ્રામ વાળા બાળકોને સંપૂર્ણ સુરક્ષિત રીતે બચાવી શકાય છે.
ફક્ત બાળક બચાવવું એટલું જ મહત્ત્વનું નથી પણ એનો સંપૂર્ણ શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસમાં પણ કોઈ બાધા ના આવે એની તકેદારી જન્મના પહેલા જ દિવસથી લેવી પડે છે. અને એટલે જ આવા આઈ.સી.યું.માં નર્સિંગ સ્ટાફનું ખૂબ મહત્વ છે…
Only survival is not enough, intact survival matters… Because every baby has equal chance to live healthy life…